કચ્છ જિલ્લા પંચાયત ન્યાય સમિતિ અને સેતુ અભિયાનના ઉપક્રમે ભુજ (BHUJ) આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાના અધ્યક્ષસ્થાને શિક્ષણ શિબિર અને અનુ.જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, દીકરીઓ ભણતી થઇ છે આમછતાં હજુપણ વાલીઓ બાળકીઓ પર ઘરકામનો બોજ નાખીને તેના શિક્ષણને અવગણે છે. ત્યારે વાલીઓ દીકરીઓના શિક્ષણ પર વધુ ધ્યાન આપે તેવો અનુરોધ પ્રમુખશ્રીએ કર્યો હતો.
તેમણે અનુ.જાતિના દીકરા –દીકરી માટે ચાલતી હોસ્ટેલની સુવિધા અંગે જાણકારી આપી હતી. આ ઉપરાત ભારતને સમર્થ બનાવવા માત્ર દીકરી નહીં પરંતુ દીકરામાં પણ સંસ્કાર સિંચન જરૂરી ગણાવ્યા હતા . તેમણે બાળકોને જીપીએસસી તથા યુપીએસસી જેવી પરીક્ષા અંગે પણ માહિતી આપી હતી. પરિશ્રમનો કોઇ વિકલ્પ ન હોવાનું જણાવીને તેમણે બાળકોને ઉત્સાહપૂર્વક અભ્યાસ કરવા શિખામણ આપી હતી.
આ પ્રસંગે ભુજ (BHUJ) વિસ્તારના ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે સરકાર દ્વારા અમલી કરાયેલી વિવિધ યોજનાઓ પ્રત્યે નાગરિકો જાગૃત બનીને તેનો લાભ લે તેવી અપીલ કરી હતી. તેમણે દીકરીઓ સાથે દીકરાઓ પણ મન લગાવીને અભ્યાસ કરે તેવું જણાવીને સંગઠીત, મજબૂત અને કોઇપણ નાગરિક વંચિત ન રહે તેવા ભારત બનાવવાના વડાપ્રધાનશ્રીના સપનાને સાકાર કરવા સૌ એકજૂટ બનીને સહયોગ આપે તેવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ બાળકોને અભિનંદન પાઠવતા કુંટુંબ, સમાજ અને દેશને આગળ લાવવા આ જ રીતે પરીશ્રમ કરીને દેશના વિકાસમાં સહભાગી થવા જણાવ્યું હતું
કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન સાથે મહેમાનોનું સ્વાગત સામાજિક ન્યાય સમિતિના ચેરમેનશ્રી કેશવજીભાઇ રોશિયાએ કર્યું હતું. આ ટાંકણે વર્ષ ૨૦૨૧-૨૨ના ધો. ૧૦ અને ૧૨માં સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ ત્રણ નંબરે આવેલા અનુ.જાતિના બાળકોને જિલ્લા પંચાયતની સામાજિક ન્યાય નિધિમાંથી ઇનામો આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય, તમામ તાલુકા પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન, સમાજ કલ્યાણ વિભાગના નાયબ નિયામકશ્રી મિતલબેન પટેલ, જિલ્લા પંચાયત, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારીશ્રી એસ.કે.પરમાર, વિદ્યાર્થીઓ તથા વાલીઓ હાજર રહ્યા હતા.
આ પ્રસંગે સામાજિક ન્યાય અંગે ઉપસ્થિત સૌ પાસેથી પ્રતિભાવો મેળવવામાં આવ્યા હતા.
0 Comments